એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

કોને માટે આ આઝાદી ?





કોને માટે આ આઝાદી ? કોને માટે?
મળ્યા પછી જે ધનવાનોની વધી ગઈ આબાદી
ને મહેનતકશ ઈન્સાનોનું ભાગ્ય બની બરબાદી
કોને માટે આ આઝાદી ? કોને માટે?

ચોર ગયા પરદેશી, દેશી ચોર અહીં જાગ્યા
મળી ગયા હક લૂંટતણા એ સૌને વણમાગ્યા
અને ગરીબોના લમણે તો રોજ હથોડા વાગ્યા
કોને માટે આ આઝાદી ? કોને માટે?

સુખની નદીઓ ઠલવાઈ તો ઊંચી મહેલાતોમાં
ડૂસકે ચડતી ઝૂંપડીઓ સૌ અંધારી રાતોમાં
બહેલાવે શૈશવને મમતા જ્યાં વાતોમાં
કોને માટે આ આઝાદી ? કોને માટે?

સુખની શેરી ઉજ્જડ ભાસે ભર દહાડે અંધારી
બેકારી છે, ભૂખમરો ને આંખોમાં લાચારી
મરી ગયા છે ચહેરાઓ ને મરી ગઈ ખુમારી
કોને માટે આ આઝાદી ? કોને માટે?

લાંચમાં લોટે અમલદાર , જ્યાં લૂંટમાં લીન વેપારી
હપ્તાની બેડીમાં પોલીસ, ખુશ આલમ અંધારી
નેતા પર કટકીનાં કામણ સ્તબ્ધ છે દુનિયાદારી
કોને માટે આ આઝાદી ? કોને માટે?

આઝાદીના અમૃત રસમાં તારી રહ્યો આ સેવક
સૌના સુખને પોતે અંકે કરી રહ્યો આ સેવક
કોને માટે આ આઝાદી ? કોને માટે?

ભડકે બળતા આવાસો, ચોધાર રડે છે રાતો
દલિતના આંસુઓ સાથે નથી કોઈને નાતો
સૂરજ તેનો ઊગે જે તેના રક્તથી રાતો
કોને માટે આ આઝાદી ? કોને માટે?

કટકી લાંચ નિસાસા શોષી તમે બનાવ્યો મેવો
સમજાવો કે દેશપ્રેમનો મહિમા છે આ કેવો?
જવાબ આપો સત્તા પર આરૂઢ થયેલા દેવો
કોને માટે આ આઝાદી ? કોને માટે?

No comments:

Post a Comment