છેક છેવાડાના માણસની ચિંતા
તમારે હૈયે હતી બાપુ.
હતાં બીજા પણ આંગળીને વેઢે ગણાય એટલા
એવી ચિંતા કરનારા.
તમે ગયા,
બીજાય ગયા એક પછી એક
બધ્ધું જ ગયું જાણે...
સત્ય અહિંસા દયા
તમારી સાથે જ ગયાં
તમારી સાથે જ ગયાં
તમારાં ચિંતન મનન.
રહી ગઈ તમારી છબી
અને પ્રતિમાઓ
ધૂળ ખાવા માટે જાણે...
આજે તો ભૂખ બેરોજગારી ગરીબી
છેવાડાના માણસ માટે અનામત
તેને હટાવવા
નથી થતાં આંદોલન,
તેની નાબૂદીની
નથી કરતુ કોઈ માગણી....
તમારો સમય
સેવાની રાજનીતિનો
સેવાની રાજનીતિને
જરૂર પડતી માણસની
આજનો સમય
સેવાનો નહીં,
સત્તાની રાજનીતિનો.
સત્તાની રાજનીતિને
માણસની નહીં
જરૂર પડે છે તેની લાશોની.
લાશો જ ખેંચી લાવે છે સત્તા,
હૂકમાં ભરાયેલી માછલી હોય તેમ
મતોના પ્રવાહમાં...
સમતા સમાનતા બંધુતા
માનવ અધિકારના શીલાલેખો
ઢંકાઈ ગયાં છે લાશોથી.
સત્તા માટે પેટાવાયેલા દાવાનળમાં
નિર્દોષ લોકો
જીવતા હોમાતા હોય
એવા આ સમયમાં
નેતાઓનો આદર્શ
તમે કઈ રીતે હોઈ શકો, બાપુ?
તમે તો દાવાનળો બુઝાવી નાખનારા ,
નિર્દોષોને ઉગારી લેનારા...
આજે તો
રાજનીતિની આ પાઠશાળામાં
ગુરૂમંત્ર સેવાનો નહીં,
સત્તાનો જ બંધાય છે ગાંઠે.
અહીં દરેકને સેવક નહીં
બનવું છે સત્તાધીશ.
તમારાં જીવનની ફિલસૂફી
ભણવી નથી કોઈને
તમારી જેમ સત્તાથી દૂર રહી
સેવા કરવાનો વિચાર
નહીં આવે કોઈને.
મહત્વાકાંક્ષાઓ સત્તાને જ જુએ છે હવે.
સત્તાના દ્વારે જ ધૂણી ધખાવે છે નેતાઓ.
સત્તા જ તેમનું ધ્યેય હોય તો
તેમનો આદર્શ હિટલર હોઈ શકે,
સ્ટાલીન હોઈ શકે,
મુસોલીની હોઈ શકે,
ઔરંગઝેબ હોઈ શકે,
તમે તો નહીં જ ,બાપુ...
No comments:
Post a Comment