કપટના કારસા છે ,જાણકારી રાખવી પડશે
શકુનિ છે બધે,બાજી વિચારી રાખવી પડશે
અહીંનાં ચોરની આંખો અમારી રોશની પર છે
અમારે આંખ બે ખુલ્લી અમારી રાખવી પડશે
અતિશય નમ્રતા સ્વમાનને માટે નથી સારી
વિવેકી જાતને થોડી નઠારી રાખવી પડશે
થયાં સૂર્યોન્મુખ,દ્રષ્ટિ મળી, સૃષ્ટિ મળી અમને
હવે ના કોઈ ઈચ્છાને બિચારી રાખવી પડશે
નહીં મૂંઝાય મુક્તિમાં અમારાં સ્વપ્નપંખીઓ
ગગન વિશાળ છે,ઊંચાઈ ધારી રાખવી પડશે
કસોટી થાય કે રસ્તા નવા, કપરાં ચઢાણો પણ
ન ખૂટે ધૈર્ય ત્યાં એવી ખુમારી રાખવી પડશે
અમારે તો સ્વયંથી પણ નથી પાછળ રહેવાનું
ગતિને એકધારી વેગધારી રાખવી પડશે
અમારો સૂર્ય ઈચ્છે ના સવારી સાત ઘોડાની
ધરા પર તો કવિતાની સવારી રાખવી પડશે
No comments:
Post a Comment