કાર્લ માર્કસનાં ઘોષણાપત્રમાં હોય
તે જ ક્રાંતિ?
કે માઓ કરે તે જ ક્રાંતિ?
એવું માનવાને કોઈ કારણ હતું જ નહીં.
ભૂખ કરતાં ય ભૂંડી
બહિષ્કૃત હોવાની પીડા,
તિરસ્કૃત હોવાની પીડા ,
અવમાનિત હોવાની પીડા,
જન્મજન્માંતર
ભાગ્યને નામે
ગળામાં ગાળિયો નાખીને
ભીંસતી હોય ત્યારે...
તેમાંથી મુક્તિ અપાવે
તે ક્રાંતિ જ હોય,
એવી ક્રાંતિ
ક્યાંથી આવશે ?
કઈ રીતે આવશે?
કોના દ્વારા આવશે?
તેની સમજણ
પામ્યા હતા મારા લોકો .
તેઓ એવું પણ સમજ્યા હતાં
અને સાચું જ સમજ્યા હતાં કે
દેશની મુક્તિ
માનવની મુક્તિ વિના
અધૂરી,આભાસી,નિરર્થક
એટલે જ
એક મસીહાથી દોરવાઈને ચાલ્યા હતા,
અંધારે ઊભી કરેલી સત્તાને પડકારતા,
સમતા સમાનતા
અને ભાતૃભાવની છાયામાં.
સ્વમાનપૂર્વક જીવી શકાય જેમાં
એવી એક નવી જ સૃષ્ટિના નિર્માણમાં...
ઘૂવડોથી દોરવાયા નહોતા મારા લોકો
અન્યથા અટવાયા હોત ક્યાંક
ક્યાંક ભેખડે ભરાયા હોત,
અમારો મસીહા તો
સૂર્ય હતો ક્રાંતિનો .
તેને જ
નર્કાગાર જેવી પ્રલંબ રાતને
ધકેલી દીધી ક્ષિતિજ પાછળ
અને મુક્ત કરી સવારને
યુગો પછી.
ધરતી પરનો આ
ક્રાંતિસૂર્ય
આકાશમાં સૂર્યોદય થયો
તેનો નિમિત્ત બન્યો ,
યુગો પછી મારા લોકો
દેખાયા દૃશ્યમાં,
દેખાયા પોતાનાં દર્પણમાં પણ.
દૃશ્યમાં દેખાવું
દર્પણમાં દેખાવું
ક્રાંતિ જ હતી,
એવી વિરલ ક્રાંતિ
કાર્લ માર્કસનાં ઘોષણાપત્રમાં નહોતી,
એવી ક્રાંતિ
માઓની બંદૂકની ગોળીમાં નહોતી.
No comments:
Post a Comment