અહીં સમરસ થવાની વાત આવે ઉડતી કિન્તુ
નથી સમતા અને સમાનતા વ્યવહારમાં આવી
હવે ત્યાં ભાઈચારો સંભવે ક્યાંથી? કઈરીતે?
વહાવે રક્ત પેલા દ્વેષને તકરારમાં લાવી
હજારો ગામડે પાતાળ સુધી મૂળ નાખીને ,
વસેલો છે છતાં હિસ્સો ગણાવાયો નથી તેનો
ગણેલો ચાકરી ને વેઠ માટે કામનો કેવળ,
નથી આપ્યો દરજ્જો ગામમાં માણસ તરીકેનો
ભલેને ગામના સૌ ઉજવે પ્રસંગ ઉમંગે,
અહીં એવી અભિવ્યક્તિ નથી અધિકારમાં આવી
ભલે સ્વીકાર પામ્યાં ચાકરી ને વેઠ તેના પણ,
કરે તે સ્મિત તે બાબત નથી સ્વીકારમાં આવી
કહ્યું છે ગામડાના લોક તો નિર્દોષ ને ભોળા,
મળે છે જૂઠનાં પ્રમાણ છેવાડે વસેલાને
રિવાજો-રૂઢિઓ દ્વારા કરે છે હાલ તે કેવા?
ખબર છે હિજરતીને, મૂળથી ઉખડી ગયેલાને
હજારો ગામ આ અસભ્યતાને સભ્યતા માને,
સદી છે ભેદભાવોની હજી અઢારમી જાણે
વધી નફરત નવા સૂરજ તરફના અણગમાથી ત્યાં,
સવારો તાજગીભર તોય રાતો છે ગમી જાણે
અછૂત કૂતરો
માનવી મનથી વિચારે
ઊંચ આ ને નીચ આ
તેમના પાળેલ
શ્વાનોને નથી પંચાત આ
માનવી પાસે રહી
શીખ્યા નથી કુટિલતા
નાં માનું કે
દ્રોણથી દોરાય તેવી જાત આ
પાલતુ જે કૂતરાને
રોટલી ખાવા મળી
રોટલી ખાતાં પડ્યો
નાં નાતમાં કે જાતમાં
માનવીએ હોત પૂછી
જાત ખાતાં પૂર્વ ત્યાં
એમ તો સાધુય ક્યાં
પાછા પડે આ વાતમાં
રોટલી ખાઈ પડેલો
પાપમાં તે કૂતરો
કૂતરો માલિકને માટે
હવે અછૂત જણ
કૂતરાએ રોટલી ખાધી
હતી અછૂતની
એટલે તે પણ હવે
અછૂત ને હડધૂત પણ
અંગને સ્પર્શી ગયો
જો હોય પડછાયો ય પણ
સ્નાન આદિથી થતા સૌ
શુદ્ધ ઉંચા લોક ને
રોટલી અછૂતની તો
પેટમાં પહોંચી ગઈ
સ્નાનથી પણ કૂતરાની
થાય શુદ્ધિ ના હવે
કૂતરાને બાથમાં લઈને હવે ચૂમાય ના
એટલી ઘૃણા હવે ત્યાં જેટલી અછૂત પર
એટલે આવી ગયો અછૂતને પધરાવવા
રૂપિયા માગી રહ્યો તે કૂતરાના ત્યાગ પર
કૂતરાને તો નથી વાચા, નહિતર બોલતો
રોટલી અછૂતની તેના પસીનાની હતી
ને જમો છો તે તમે સ્વાદિષ્ટ એવી રોટલી
તે કરોડોના પરિશ્રમને ઠગીને આવતી
ઊંચ હું, તું નીચ એવાં ભેદમાં માનો તમે
કૂતરાની જાતને કરવી નથી ભવાઈ આ
ગીરવી મૂકી તમે બુદ્ધિ ગમારો એટલે
માનવી વચ્ચે નથી પૂરી શકાતી ખાઈ આ
No comments:
Post a Comment