કલાને નગ્નતા સાથે શું લાગે વળગે
એ તો પેલો ચિત્રકાર જ જાણે.
પરંતુ તેના પર આરોપ મૂકાયા છે કે તેણે
તેઓની દેવીઓને
આરાધ્ય માતાઓને
વસ્ત્રહીન ચીતરીને
તેમના ગૌરવનો ભંગ કર્યો છે.
આરોપો સંગીન હતા કે
અર્થહીન હતા
તે સાબિત થાય તે પૂર્વે જ
રંગ પીંછી કેનવાસ સમેટી
ચિત્રકાર
ભાગી ગયો દેશ છોડીને.
અમને ખાતરી છે કે
આમ કરીને
આરોપો કરતાં ય
આરોપ મૂકનારાઓનો સામનો કરવાનું
ટાળ્યું હતું ચિત્રકારે.
એ જ કારણ છે કે
આરોપ મૂકાનારાઓમાંનાં જ લોકો
અમારી બહેન-દીકરીઓનાં ગૌરવનો
ભંગ જ નહીં,
કરે છે હનન.
ત્યારે આરોપ મૂકવો
સહેલો નથી હોતો અમારા માટે...
અમે જાણીએ છીએ
જ્યારે ગામના લોકો અમારા ન હોય,
ગામની પંચાયતો અમારી ન હોય,
અમારાં પોતાનાં ખેતરો ન હોય,
ત્યારે આરોપ મૂકવા સહેલા ન જ હોય.
પણ તેથી કંઈ
આરોપ ન જ મૂકાય એવુંય નથી.
પણ મૂક્યો છે
જ્યારે પણ આરોપ અમે
ભાગવું પડ્યું છે અમારે જ.
ધસી આવે આખુંય ગામ તે પહેલાં
ગામ છોડીને,
ઉઘાડા પગે, પહેરેલે લૂગડે,
શ્વાસ ગોથાં ખાય તોય....
પેલા ચિત્રકારને તો અપનાવી લીધા
અન્ય દેશના લોકોએ
ઉમળકાથી, અહોભાવ સાથે
પોતાની બિરાદરીનો જાણીને.
પણ અમારા રઝળપાટનો તો
નથી આવતો અંત
અમારી દુર્દશાના
નથી છપાતા ક્યાંય અહેવાલ
અમારાં ચિત્કારને
મળતો નથી હાશકારો ક્યાંય
No comments:
Post a Comment