યુગોથી પાંપણે
અશ્રુ અને અંગાર છે સાથી
નિરંતર દ્રશ્ય ને
અદ્રશ્ય સાથે માર છે સાથી
યુગો પૂર્વે
લખ્યા છે તેમણે જે ભેદના વેદો
હજી આ દેશમાં તેનો જ કારોબાર છે સાથી
હજી આ દેશમાં તેનો જ કારોબાર છે સાથી
ઈજારો જ્ઞાન પર મુઠ્ઠીભરોએ
હાથમાં રાખી
કરોડો
સૂર્યથી અમને કર્યા હદપાર એ રીતે
થયા હદપાર જાણે
જિંદગીથી દૂર વસ્તીથી
જીવ્યા તો
વારસામાં આવતો અંધાર પી પીને
કિરણ એકાદ પણ
નહોતું મળ્યું એ રાતને માટે
પીડારૂપ ,
રક્તમાં આજે ય એ અંધાર છે સાથી
યુગોથી પાંપણે અશ્રુ અને અંગાર છે સાથી
ફૂટે જો પંખ
ઈચ્છાને પ્રયત્નો થાય ઉડવાના
હવાઓ પર સરકવાના,
ચહે મન ત્યાં ઉતરવાના
પરંતુ તાંતણે
લટકી રહ્યા’તા જે દયાના તે
સ્વીકારે શી રીતે
યત્નો અમારા આ ઉડવાના
અમારી પાંખ પર
ઝીંકી રહ્યા છે તીર તલવારો
અને ભયમાં અમારી
ઉન્નતિનાં દ્વાર છે સાથી
યુગોથી પાંપણે અશ્રુ
અને અંગાર છે સાથી
નકારી ચાકરી , એ
રોટલી જે વેઠમાં મળતી
નકારી છે દયાઓ
નામની જે એંઠમાં મળતી
બન્યો છે શક્ય
અંધારા યુગો પર આજે સૂર્યોદય
કરે છે ક્રુદ્ધ
સૌને જિંદગી જે થાય ઝળહળતી
અમારી વસ્તીઓમાં
એટલે ચાંપી રહ્યા છે આગ
ભટકતી આશરાની
શોધમાં વણઝાર છે સાથી
યુગોથી પાંપણે
અશ્રુ અને અંગાર છે સાથી
અમારા રક્તથી
રંગાઈ ગઈ છે આ બધી ધરતી
અમારી વેદના
ચીસો હવાઓ પર વહ્યા કરતી
રહ્યો છે ન્યાય
તો પડખે સિતમગરની હમેશાંથી
નહિ તો કેર આવો
એક જાતિ શું સહ્યા કરતી?
હયાતી પર અમારી
એકધારું મોતનું તાંડવ
છતાં ખામોશ સૌનાં
વાણી ને વિચાર છે સાથી
યુગોથી પાંપણે
અશ્રુ અને અંગાર છે સાથી
નવો આ સૂર્ય મૂકે
છે પરિવર્તન હવાઓમાં
ઉકળતું રક્ત માગે
છે પરિવર્તન પ્રથાઓમાં
વિચારો જે
ગુલામીખત બન્યા માનવસમૂહો પર
હવે આ શબ્દ મૂકે
છે સુરંગ એવા વિચારોમાં
નહીં ફાવી શકે
સદીઓનાં અંધારાં હવે સહેજે
યુગોની યાતનાના
અંતનો નિર્ધાર છે સાથી
યુગોથી પાંપણે
અશ્રુ અને અંગાર છે સાથી
ઉઠ્યા છે અક્ષરો
ભીંતે હવે પ્રત્યેક વાંચી લે
પડ્યા છે રક્તના
થાપા બધે પ્રત્યેક જોઈ લે
થશે આ રક્તને
ટીમ્પેટીમ્પે જ્વાળામુખી સર્જન
દટાશે સભ્યતા
પોકળ હવે પ્રત્યેક નોંધી લે
અમારી આંખમાં સો
દ્રશ્ય ઉજડેલી વસાહતનાં
અમારી મુઠ્ઠીમાં
વંટોળ ભારોભાર છે સાથી
હવે આ પાંપણે
અશ્રુ નથી અંગાર છે સાથી
No comments:
Post a Comment