લાશમાં જીવન ભરે તે
શબ્દ ક્રાંતિનો જ હોય
ધર્મસત્તા જ્યાં ડરે
તે શબ્દ ક્રાંતિનો જ હોય
આંખ તો છે પણ નથી જોઈ શક્યા જે સત્યને
દિવ્ય દ્રષ્ટિ ત્યાં ધરે, તે શબ્દ ક્રાંતિનો જ હોય
ધોમધખતા તાપમાં પણ મૂરઝાતો જે નથી
અગ્નિકુંડે ઉછરે, તે શબ્દ ક્રાંતિનો જ હોય
અંધકારોએ રચેલી ભીંતમાં ભીંસાય સૌ
સૂર્ય ત્યાં પેદા કરે, તે શબ્દ ક્રાંતિનો જ હોય
ન્યાયનો રસ્તો વિકટ પણ તોય ચાલે કાફલા
હોય જે ત્યાં મોખરે , તે શબ્દ ક્રાંતિનો જ હોય
ભેદભાવોનાં કપટને મૂળથી ઉખેડવા
છેક ઊંડે ઉતરે, તે શબ્દ ક્રાંતિનો જ હોય
બુદ્ધ ફૂલે મંડેલા આંબેડકર ગાંધી બની
મુક્ત કરવા અવતરે , તે શબ્દ ક્રાંતિનો જ હોય
દીર્ઘ કારાવાસમાં પણ તે જ રાખે છે અડગ
જીતતો કાળાન્તરે, તે શબ્દ ક્રાંતિનો જ હોય
છેક પાતાળે જ દાટે ક્રૂર સત્તાધીશ પણ
વ્રુક્ષ રૂપે પાંગરે , તે શબ્દ ક્રાંતિનો જ હોય
No comments:
Post a Comment