આભ ને પાતાળ સુધી વિસ્તરેલા માણસો,
વારસાગત દ્વેષમાં દ્રવી રહેલા માણસો,
તેમને વાંધો પડ્યો કેવળ અમારા નામ પર,
મૂળમાં અમને જ દાટી, પાંગરેલા માણસો
ના હતા ને તોય પણ અમને પ્રતિસ્પર્ધી ગણી,
નામ આંદોલન અને હુલ્લડ મચાવ્યાં તેમણે.
આ અમારા શ્વાસને રાહત મળી, ધરપત મળી,
તે ઈમારતના જ પાયા હચમચાવ્યા તેમણે.
આંગળી ચીંધી અમે ત્યાં તેમની જાગીર પર ,
ને કરી નિજ નામની કેવળ તરફદારી અમે.
દ્રોણ ને અર્જુનના એ વંશ સમજે એમ ત્યાં,
સાનમાં સમાનતાની વાત ઉચ્ચારી અમે.
તે ગયાં ભૂલી મહંમદ ઘોરીઓના વારને,
તેમને આપ્યો અમે પડકાર તે ભૂલ્યા નથી.
દેવતાઓનોય કચ્ચરઘાણ તે ભૂલી ગયાં,
ને અમારા શ્વાસનો હુંકાર તે ભૂલ્યા નથી.
શાંત ચિત્તે તે અમારાં મૂળ કાપે છે હવે,
કાલ જે પડકાર આપેલો અમે તે કારણે,
જૂઠ પ્રસ્થાપિત કરવા આદરેલા જંગમાં,
મોરચો સામે જ માંડેલો અમે તે કારણે.
ભૂંસવાની તેમની તો હોય નીતિ પણ અમે,
એમ ભૂંસાઈ જવું છોડ્યું નથી નસીબ પર,
તેમના જેવા નથી લાંબા અમારા હાથ પણ,
તોય રહેવાના નથી બેખોફ પડકાર્યા વગર.
No comments:
Post a Comment