તારો હક છે નિરાંતની ઊંઘ
લેવાનો
પણ ચિંતા એ વાતની કે
રાતનો અંત છે
તારી ઊંઘનો કોઈ અંત જ નથી.
એક પ્રલંબ કાળથી
ઘરમાં અને ઘરની બહાર પણ
ચર્ચાના એરણ પર ટીપાય છે
તારી ઊંઘ પણ તને તેની જાણ ક્યાંથી હોય?
તને જગાડવો પડે તે કેવું કહેવાય?
પંખીઓને કોઈ જગાડતું નથી.
પતંગિયાંઓને કોઈ જગાડતું નથી.
તને જગાડવાની ફરજ
આમ તો કોઈની નથી.
પણ માની લીધી છે દરેકે.
સૂર્ય, પંખી અને હવા
મથ્યા છે પોતપોતાની રીતે
પણ તું જાગ્યો નથી...
તું નથી જાગતો એટલે
તારા ઘરની દીવાલ પર
ટક ટક કરતી ઘડિયાળના કાંટા
અટકી જવા જોઈએ
પણ તેમ નથી બનતું.
આ પણ તને કેવી રીતે સમજાય?
આંખો ખુલ્લી હોય ત્યારે પણ
તું જાગે છે તેવું નથી લાગતું
ક્યાંય પણ અને ક્યારેય પણ
તારા જાગ્રત હોવાના પૂરાવા
સાંપડતા નથી,
બધે જ તું
પરાણે પાંપણો પટપટાવે
તેને તો ગણવો પડે
જાગૃત હોવાનો દેખાવ માત્ર.
ક્યાંક તો તું
જમીનમાં આંખો ઉતારી દઈને
મૌનની ચાદર તળે
ભીષ્મની જેમ બેઠેલો
પણ સૂતેલો જ જણાયો છે...
તારું જાગવું
પેલા કવિને તો
જરૂરી લાગ્યું છે, એટલું બધું કે
તેણે તો તને જગાડવાનું
જાણે પોતાને માથે જ લઇ લીધું છે.
તું ન જાગે તેમાં
કોને કોને કેટલો લાભ
તેની જાણ
જેટલી તેને, અન્ય કોઈને નથી...
કવિ પાસે શબ્દો છે
તને જગાડશે તેવી શ્રદ્ધાના
તું જાગીશ તેની કવિતાથી
એવું તે અમસ્તો જ નથી
માનતો.
તેને ખબર છે
અગાઉ તું જાગ્યો હતો
આવી જ ગાઢ નિદ્રામાંથી
શબ્દોએ તને જગાડ્યો હતો
શબ્દોએ ચીંધી હતી દિશા તને
શબ્દોએ આપી હતી રાહત તને
શબ્દોએ અપાવ્યો હતો ન્યાય
શબ્દોએ સળગાવ્યો હતો તારો પોતાનો સૂર્ય
અને તું જાગ્યો હતો ...
શબ્દોએ ફરી મથામણ આદરી છે
શબ્દો હવે આવ્યા છે કવિતા રૂપે
આવ્યા હતા અગાઉ પ્રવચન રૂપે
પ્રવચનમાં હતા એ જ શબ્દો
એ જ ધ્વનિ એ જ ધ્યેય
ઝીલાયા છે કવિતામાં
કવિતા જ ઢંઢોળશે હવે તને
જીવીશ તું કવિતાથી
પ્રવચનથી જાગ્યો હતો તેમ જ
માઓ માર્ક્સ લેનિન
નિષ્ફળ જઈ શકે
કવિતા નિષ્ફળ નહીં જાય
કવિ નિષ્ફળ નહીં જાય
કવિ અને કવિતા નિષ્ફળ નહીં જાય.
No comments:
Post a Comment