એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

એટલું તો જાણજો


આગ સૂતેલી હતી, શાને જગાડી ? એટલું તો જાણજો

કેમ લેતા બાનમાં તે આગગાડી ? એટલું તો જાણજો

 

રોટલી કાજે પસીનો પાડનારા માનવી ત્યાં

કેમ છે ખૂંખાર હિંસાની કુહાડી ? એટલું તો જાણજો

 

એટલા ભોળા કરે જે વાત કરવામાંય ને આઘા રહે

તે હવે શાને રહ્યા છે ભય પમાડી ? એટલું તો જાણજો

 

શું સહનશીલતા હતી થાકી ગઈ અન્યાય સામે?

ત્રાટકી છે એટલે શું ત્રાડ પાડી ? એટલું તો જાણજો

 

ઉછરેલો ભૂખ બેકારી ગરીબીના અગ્નિકુંડમાં

તે અંગારો રહ્યો છે શું દઝાડી ? એટલું તો જાણજો

 

યાતના તેના નસીબે છે કહીને પાંપણે રોક્યાં હતાં

આગ શું તે અશ્રુએ લગાડી ? એટલું તો જાણજો

 

બુદ્ધ ગાંધી કે નથી કબીર હૈયે કેમ ? શાને કારણે ?

કેમ ચાલ્યા આજ માઓને ઉપાડી ? એટલું તો જાણજો

 

તે ક્ષમાલાયક નહીં લાગે છતાં પણ ન્યાય કરતાં

આમ કોણે જિંદગી તેની બગાડી  ? એટલું તો જાણજો

No comments:

Post a Comment