ક્યાં નથી અન્યાય ? સામે ન્યાય ક્યાં છે?
પૂછવા જેવુંય ક્યાં? અન્યાય ક્યાં છે?
ન્યાય કરનારા કરે છે ન્યાય કેવો?
પૂછવાનું થાય મન કે ન્યાય ક્યાં છે?
ન્યાયમાં દેખાય ન્યાયાધીશ પેલો
મૂળમાં તે પણ મનુનો ચુસ્ત ચેલો
ન્યાયમાં પણ હોય છે અન્યાય તેનો
આખરી તે પણ નથી , ના તે પહેલો
એટલે તો ન્યાયની આશાય ક્યાં છે?
પૂછવાનું થાય મન કે ન્યાય ક્યાં છે?
ન્યાયમાં માન્યા નથી હકદાર અમને
એટલે તેનો નથી અધિકાર અમને
ખૂંચવી લીધી ધરા, પગ મૂકવો ક્યાં?
ન્યાયનો પણ હોય ના આધાર અમને
કલ્પનામાં હોય તે સિવાય ક્યાં છે?
પૂછવાનું થાય મન કે ન્યાય ક્યાં છે?
ન્યાયથી વંચિત રહેવાનું અમારે
એમ સામે પૂર વહેવાનું અમારે
હોય તે અન્યાય ને અન્યાય કેવળ
તોય તેને ન્યાય કહેવાનો અમારે
ન્યાયમાં ન્યાયીપણું વર્તાય ક્યાં છે?
પૂછવાનું થાય મન કે ન્યાય ક્યાં છે?
માગતા રહેવું પડે છે ન્યાય ને આ
જિંદગી જેવી જ લાંબી છે પ્રતીક્ષા
ન્યાય કાજે જીવતા સૌ હોય જાણે
આંખ સામે દ્રશ્ય પણ થઇ જાય ઝાંખાં
ઢૂકડા રસ્તા અદાલતના ય ક્યાં છે?
પૂછવાનું થાય મન કે ન્યાય ક્યાં છે?
તંત્રના ઘોડે લગામો તે બધાની
ઘાસના જેવી જ હાલત કાયદાની
નવા રસ્તા રચાયા ન્યાય કાજે
આ સવારીને તમા ના જાણવાની
ડાબલા આંખે કશું દેખાય ક્યાં છે ?
પૂછવાનું થાય મન કે ન્યાય ક્યાં છે?
શિખરે બેઠા નથી તે માનવાના
શિખરો તો છે હવામાં ઉડવાનાં
ઓકશે લાવા અજંપો એક દિવસ
દિવસો થોડા જ છે સમજી જવાના?
વાત સીધીસટ હજી સમજાય ક્યાં છે?
પૂછવાનું થાય મન કે ન્યાય ક્યાં છે?
No comments:
Post a Comment