વેદના વચ્ચે અમાવસ હોય , તે દીવો કરે,
ને ઉદાસી સાવ નર્વસ હોય, તે દીવો કરે
રાતના ઘૂવડ હશે તેને નડે ના કાંઈ પણ,
અંધકારે આંખ વિવશ હોય, તે દીવો કરે
એક પડછાયો જ કાળાં રંગમાં જીવી શકે,
સાત રંગોમાં પડ્યો રસ હોય, તે દીવો કરે
આખરે તો અવદશાનું પાંજરૂં છે અંધકાર,
ઉડવા આતુર સાહસ હોય, તે દીવો કરે
શબ્દ સોનેરી મળે આ જીવતર આલેખવા,
શ્વાસની જો માંગ પારસ હોય, તે દીવો કરે
જિંદગી ગુમનામ લટકે એટલા માટે નથી,
પાંપણો નીચે દિશા દસ હોય, તે દીવો કરે
ખોટનો હિસાબ ના જોવાં મળે પાકટ વયે,
રંગમંચે રોજ ફારસ હોય , તે દીવો કરે
No comments:
Post a Comment