શબ્દના આકાશમાં પેલા સિતારા જેમ છું
માન કે ના માન, ઉંચો હું ય તારા જેમ છું
સૂર્ય મારી ઝંખનાએ કંઇક પેટાવ્યા અહીં
આજ તો ઉજાસના ખુલ્લા પટારા જેમ છું
તું હવેલીમાં રહીને પણ રહ્યો છે નાનો જ ને
હું અહીં માણસ તરીકે છું, મિનારા જેમ છું
જિંદગી મારી ઘડી મારા જ સંવિધાનથી
આઇનામાં,શબ્દમાં હું વ્યક્ત મારા જેમ છું
આજની આબોહવામાં મુક્ત ફેલાઈશ હું
રોકવા વિચાર ના, વિચારધારા જેમ છું
No comments:
Post a Comment