એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 23, 2015

ગોટલીની કવિતા


 

કચરાના ખડકલા વચ્ચે

ચૂસાઈ ગયેલી કેરીની એક ગોટલી

કોઈની નજરે ન ચડે પણ

ચાર આંખોવાળા એક કવિની નજરે પડી

અને કવિતા લખાઈ ગઈ અનુકંપાવશ

સોળ વરસની કન્યાઓના કામ પર

કે છોકરીઓના ફ્રોકને સ્તન ફૂટવાની ઘટના પર

કવિતા લખનારાઓને અચરજ થયું ખરૂં

ગોટલીમાં એવું તે કેવું રૂપ

કે કવિ કવિતા લખે?

પણ કવિની કવિતાથી

ગોટલીનો જાણે ઉદ્ધાર થયો શબ્દમાં

જેમ રામના સ્પર્શે

પથ્થરનો ઉદ્ધાર થયો હતો નારીમાં.

ગોટલીની કવિતા

એક મોટા કવિનું પ્રદાન

એટલે અનિવાર્ય બની ગઈ

બારાખડીની જેમ .

શિક્ષકોએ ભણાવી

અને છાત્રો ભણ્યા.

છવાઈ ગઈ ગોટલી કવિતાથી

સરસ્વતીચંદ્ર,કુમુદ, કલ્યાણી,

કાક અને મંજરી જેવાં પણ

પછી તો હાંસિયામાં મૂકાઈ ગયાં

માન્યામાં આવે

પણ બન્યું એવું જ ,

એક ગોટલી નહીં

બિરાદરીની દરેક ગોટલી

ફૂલીને દેડકો બની ગઈ.

પણ રસ્તે ઝાડુ મારનાર

જેને પોતાની ખબર નથી.

ગોટલી વિશે શું જાણે?

તે જુએ તો રોટલી જુએ?

ગોટલી શું કામ જુએ?

તેણે તો ગોટલીનેય વાળી

નાખી દીધી કચરાપેટીમાં.

ગોટલીનો ગુસ્સો તો ફાટી પડ્યો,

અરે ગમાર,

કવિને માટે અમે પ્રેરણા

અને તારે માટે કચરો ?

બધા અમને માથે મૂકે

અને તું નાખે કચરા પેટીમાં?

કવિએ કચરો માની હોત તો

ક્યાંથી રચાત કવિતા?

ઝાડુવાળાએ મનોમન આવું કહ્યું:

તે કવિ તો નવરો છે,

અમે થોડા નવરા છીએ?

કવિને તો ગોટલી દેખાઈ,

અમે ક્યાં દેખાયા?

અમે પણ ચૂસાઈને

બની ગયા છીએ ઠૂંઠું ને ?

તું કવિની પ્રેરણા હોય તો

કવિના ઘરમાં જઈને બેસને,

કચરામાં તારૂં શું કામ?

No comments:

Post a Comment