એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, November 24, 2014

મુક્તિ





મુક્ત વિહંગો મુક્ત તરંગો મુક્ત અમે થઈશું,
નવા ગગનમાં, નવા પવનમાં , નવી દિશામાં જઈશું.
બધે છવાતાં જઈશું
મુક્ત અમે થઈશું.

પંખીના ટહુકાએ આપ્યા મુક્ત ગગનના રાગ નવા,
ફૂલોના ચહેરામાં જોયા આશાઓના બાગ નવા,
ભમરાઓના ગુંજનથી ગુંજ્યા જીવનમાં કંઈ રાગ નવા.
સૂર મેળવતા જઈશું,
મુક્ત અમે થઈશું.

મુક્તિની પળ ઝંખે શત શત યુગથી માનવ કમનસીબ.
મુક્તિની પળ ઝંખે અબળા, મહેનતકશ, હર એક ગરીબ,
મુક્તિની પળ કાજે જેની રગરગમાં છે જોમ અજીબ,
સૌને સાથે લઈશું,
મુક્ત અમે થઈશું.

મુક્તિની પળ આડે માનવમન સદીઓથી જે કુંઠિત,
મુક્તિની પળ આડે ઊભો રીવાજ કેરો ભૂતપલિત,
મુક્તિની પળ આડે  માનવ જ્યારે હોય ન સંગઠિત
ઉપાય કરતા જઈશું,
મુક્ત અમે થઈશું.

રજકણ, ધૂળ હતા તો ચાલ્યાં ચગદીને પાગલ ટોળાં,
ગભરૂ દેખાયા તો સહુએ કાઢ્યા તગતગતા ડોળા,
સંકોચાયા તો  એ માંડ્યા બનવા લાંબા ને પહોળા,
રીત બદલતા જઈશું,
મુક્ત અમે થઈશું.

યુગ વીત્યા છે લાચારીના,પગલાં ના મજબૂર હવે,
નવી હવાને બંધનકારી નથી કશું મંજૂર હવે ,
કોણ નથી આ બંધનમાંથી મુક્ત થવા આતુર હવે.
રસ્તો કરતા જઈશું,
મુક્ત અમે થઈશું.

મુક્ત ગુલામી માણસ કેરા  આચારો વિચારોથી,
મુક્ત સ્વયંની  લાચારીના અણગમતા વ્યવહારોથી,
મુક્ત ગળા પર મંડાયેલી તેગ અને તલવારોથી,
પહેલ કરતાં જઈશું,
મુક્ત અમે થઈશું.

ઉગશું સૂરજ જેમ અમે પણ ,આથમશું   ત્યાં સાંજ થતાં,
હરશું, ફરશું, ઉડશું, તરશું, મુક્તિની પળપળ જીવતાં,
અવરોધોને આંબી ભરશું પગલાં આગળ ગણગણતાં,
મુક્ત હવામાં હઈશું,
મુક્ત અમે થઈશું.

મુક્ત વિહંગો મુક્ત તરંગો મુક્ત અમે થઈશું,
નવા ગગનમાં, નવા પવનમાં, નવી દિશામાં જઈશું.

No comments:

Post a Comment