ફૂલો તણું બજાર
છે મારા શહેરમાં,
ને હાથમાં કટાર છે, મારા શહેરમાં.
લોહીલુહાણ સત્ય, અહિંસા, દયા, નીતિ,
ઉજ્જડ ઘરો મજાર
છે, મારા શહેરમાં.
દંગાફસાદ એક્સરે
ભીતરના રોગનો,
છે ધર્મ કે
વિકાર છે, મારા શહેરમાં.
ખાઉધરાપણું ન
જુએ રાત કે દિવસ,
ભૂખ્યો જ
શર્મસાર છે, મારા શહેરમાં.
ઊંચી ઈમારતોનો
કરું ગર્વ શી રીતે?
બેઘર દિશાઓ ચાર
છે, મારા શહેરમાં.
દુઃખના પહાડ
છાતીએ , લેવાય શ્વાસ ના,
સુખ હોય ત્યાં
અપાર છે, મારા શહેરમાં.
નિષ્ફળ ન જાય
કેમ બધાં સૂર્ય આ તરફ?
માણસનો અંધકાર
છે, મારા શહેરમાં.
ભાંગી પડીશ એવું
નથી લાગતું મને,
ઉદાસ પણ સવાર છે, મારા શહેરમાં
મૂકી રહ્યો છું
શબ્દનો મરહમ ફરી ફરી,
જખ્મો અહી હજાર
છે, મારા શહેરમાં
No comments:
Post a Comment