જિંદગી, તારી કરી છે મેં
પ્રતીક્ષા વરસો,
તેંય ઓછાં ન
કર્યાં દૂરથી ત્રાગાં વરસો.
એટલે હું જ નથી
મારી કથામાં જાણે,
શ્વાસ વચ્ચે જ
રહ્યા મારા ઈરાદા વરસો.
ઓઢવા જેવું નથી
વસ્ત્ર વણાયું એકે,
સાંધવામાં જ ગયા
તૂટતા ધાગા વરસો.
કેમ સમજાવી શકું
એવી વિવશતા મારી?
નાવ ચાલે ને રહે
દૂર કિનારા વરસો.
કોઈ આરોપ નથી
મારો સમયની સામે,
મેં જ જોયા છે
અહીં મારા તમાશા વરસો.
No comments:
Post a Comment