શી રીતે હું
દૃશ્ય પર પરદા લગાવી દઉં?
શી રીતે આ કાનને
બહેરા બનાવી દઉં?
શી રીતે હું મૌન
જેવા દંભમાં રાચું?
શી રીતે હું
શબ્દને પણ ગૂંગળાવી દઉં?
છે યુગોથી
કંઠમાં એ વેદનાનું શું?
રાખ નીચે સળવળે
છે તે ઝંખનાનું શું?
થાય જીર્ણોદ્ધાર
કિલ્લા ઈંટપથ્થરના
તૂટતા આ જિંદગીના
માળખાનું શું?
દોષ તો નામે ચડે
જે કોઈના કિન્તુ
શી રીતે
પ્રારબ્ધને નામે ચડાવી દઉં?
આવકારે હોઠ ને
ધિક્કારતું ભીતર
ભેટનારા હાથ
જાણે હોય છે ખંજર
કેટલો વિશ્વાસ એ
વ્યવહારનો કરવો?
વેર જેવાં હોય
જેમાં પ્રેમ ણે આદર
રૂઝવી શકતો નથી
જેને સમય પોતે
શી રીતે આ ઘવ
તેના વિસરાવી દઉં?
આપખુદીના અફર
અધ્યાય જોઉં છું
ન્યાયને નામે
નવા અન્યાય જોઉં છું
પક્ષ્પાતોનુંય
જુદું એક બંધારણ
બૂમ તેની
ન્યાયના હકમાંય જોઉં છું
અર્થ વટલાવાય
આજે તેમના હિતમાં
શી રીતે ફરમાનને
માથે ચડાવી લઉં?
યુગ વીત્યા તોય
તેઓ દ્વેષમાં રત છે
સ્પર્શની નવ સૂગ
પણ મનથી અદાવત છે
બાંધનારા ભેદની
બાંધી ગયા ભીંતો
આજ પણ એ દ્વેષના
કિલ્લા સલામત છે.
જીન્દગી પર તે
મચાવે મોતનાં તાંડવ
શી રીતે મારી
નજર ત્યાંથી હટાવી લઉં?
ઉતરે આડાં ભલેને એ જ
અંધારાં
આજ મારી
ઝંખનામાં સૂર્ય છે મારા
ચાલવું છે યુગને
પણ સાથમાં મારી
તોડવા છે બેઉએ હર એક ઈજારા
હું હવે શાનો
રહું વર્તુળમાં નાના?
હાંસિયાઓ પણ હવે
શાનો ચલાવી લઉં?